લાખો યાત્રાળુઓનાં આસ્થાનાં કેન્દ્રસમાન એવા કષ્ટભંજન હનુમાન મંદિરે ગતરોજ હનુમાનજીની 54 ફૂટ ઊંચી ભવ્યાતિભવ્ય મૂર્તિનું અનાવરણ થયું.
ગુજરાતનાં ખૂણે-ખૂણેથી લાખો ભક્તો આજરોજ મંદિરે દાદાની જયંતિ નિમિત્તે દર્શનાર્થે પધારી રહ્યા છે, ત્યારે આ નજારો તેમની આસ્થામાં વધુ ઉમેરો કરશે અને સાથે જ મંદિર ગુજરાત બહારનાં શ્રદ્ધાળુઓ માટે પણ આસ્થાનું કેન્દ્ર બનશે.
એકસાથે 8 હજારથી વધુ માણસો જમી શકે તેટલું વિશાળ ભોજનાલય
આ સાથે જ સાળંગપુર ધામમાં ભવ્ય ભોજનાલય પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ત્યારે તે વિશે જણાવતાં મંદિરનાં શાસ્ત્રી હરિપ્રકાશદાસજી જણાવે છે કે, છેલ્લાં 100 વર્ષથી યાત્રાળુ માટે પ્રસાદની વ્યવસ્થા છે. ભોજનાલય તો મોટું જ હતું. પરંતુ ધીમે ધીમે એટલા બધા માણસો વધ્યા એટલે શ્રદ્ધાળુઓની સંખ્યા પ્રમાણે નાનું લાગતું હતું. વધતાં શ્રધ્ધાળુઓને સમાવવા માટે સંતોએ વિચાર્યુ કે આમનાં માટે સરખી વ્યવસ્થા કરવી જોઇએ અને તેના પરિણામસ્વરૂપે સાડા ત્રણ લાખ સ્ક્વેરફૂટમાં આ ભોજનાલયનું બાંધકામ થયું છે. રસોઇ બનાવવાનાં જે સાધનો છે તેમાં એકસાથે 10 હજાર માણસોની દાળ, શાક અને ખીચડી બની શકે એવી બધી જ વ્યવસ્થાઓ છે.