તમિલનાડુ અને ખાસ કરીને ચેન્નાઇમાં છેલ્લાં બે અઠવાડિયાથી પડી રહેલાં ધોધમાર વરસાદને કારણે જનજીવન તો ખોરવાયું જ છે, સાથોસાથ ઘણી જાનહાનિ પણ થઇ છે. આ બધા વચ્ચે એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં મહિલા પોલીસ ઓફિસર એક બેભાન શખ્સને જોયો અને તેને બચાવવા માટે પોતાના ખભે નાખીને તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. આ વીડિયો જોતજોતામાં વાઇરલ થઇ ગયો હતો.
દેશભરમાં આ મહિલા પોલીસ ઓફિસર કે જેમનું નામ રાજેશ્વરી છે, તેમના વખાણ થયા છે. ત્યારે પ્રખ્યાત IPS ઓફિસર અને વર્તમાન ઉત્તર પ્રદેશ પોલીસનાં ADG નવનીત સિકેરાએ પણ તેમની સરાહના કરી છે.
પોતાની ફેસબુક પોસ્ટમાં તેઓ લખે છે, “ઇન્સપેક્ટર રાજેશ્વરી, આજે નવનીત સિકેરા તમને સેલ્યુ કરે છે. હમણાં જ ચેન્નાઇમાં જબરદસ્ત વરસાદ પડ્યો અને જનજીવન ડહોળાયું હતુ, ત્યારે પોતાની ડ્યુટી દરમિયાન ઇન્સપેક્ટર રાજેશ્વરીને રોડની એક બાજુ એક વ્યક્તિ બેભાન અવસ્થામાં મળ્યો. આસપાસના લોકોની મદદથી તેમણે તે શખ્સને પોતાના ખભે ઊંચકીને ઓટોમાં બેસાડ્યો અને લોકોને વારંવાર કહેતા રહ્યા કે આને કોઇપણ હાલમાં બચાવવાનો છે. મને મારા બેચમેટ પાસેથી મળેલી માહિતી અનુસાર તે શખ્સની તબિયત હાલ સુધારા પર છે. રાજેશ્વરી, ફરીથી એક વાર તમને જય હિંદ.”
આમ, મહિલા ઇન્સ્પેક્ટર રાજેશ્વરીનાં આ કાર્યથી સમગ્ર દેશમાં તેમની વાહવાહી થઇ રહી છે. એક પોલીસની જવાબદારીથી વધુ માનવતાની પહેલ દર્શાવી તેમણે એક વ્યક્તિનો જીવ બચાવ્યો છે, જે ખરેખર સરાહનીય છે.
વેબ સિરીઝ બની ચૂકી છે IPS નવનીત સિકેરા ઉપર
મહત્વનું છે કે, IPS નવનીત સિકેરાની રિયલ લાઇફ સ્ટોરી પર એક વેબ સિરીઝ પણ બની ચૂકી છે, જેનું નામ ‘ભૌકાલ‘ છે. મુઝફ્ફરનગર કે જે યુ.પી.નું ક્રાઇમ કેપિટલ કહેવાય છે, ત્યાં કઇ રીતે તેઓ ગુનેગારોનો સફાયો કરે છે અને શહેરને શાંત રાખવાની પહેલ આદરે છે, તેના પર આખી સિરીઝ છે.