મકર સંક્રાંતિ કે જેને ગુજરાતમાં સામાન્ય રીતે ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે, એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. સમગ્ર દેશમાં આ ગાળા દરમિયાન વિવિધ તહેવારો ઉજવવામાં આવે છે અને દરેક તહેવારનું આગવું મહત્વ છે.
ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે. આ શબ્દનો સંસ્કૃત અર્થ એટલે ‘ઉત્તરાયન’, જેની સંધિ છૂટી પાડીએ તો થાય ઉત્તર + અયન અર્થાત્ ઉત્તર તરફ પ્રયાણ કરવું. આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે, માટે તેને ઉત્તરાયણ કહેવાય છે.
સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધન રાશીમાંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે, જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે. ઇ.સ. 2016નાં જાન્યુવારી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકર સંક્રાંતિ ૧૪ જાન્યુઆરીના બદલે ૧૫ જાન્યવારીના દિવસે હતી.
ક્યાંક લોહરી તો ક્યાંક પોંગલ
ભારત દેશ એ વિધ-વિધ સંસ્કૃતિઓની આગવી ઓળખ ધરાવતો દેશ છે. દક્ષિણ ભારતમાં મકર સંક્રાંતિને પોંગલ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને તમિલનાડુમાં તે વધારે ઉજવાય છે. આ ગાળા દરમિયાન પાકની લણણી કરવામાં આવે છે, જેથી કુદરત પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો એક ભાવ, જેમાં વિવિધ પકવાનો બનાવવામાં આવે છે અને ખાસ રીત-ભાત સાથે ઉજવવામાં આવે છે.

ઉત્તર ભારતમાં અને ખાસ તો પંજાબમાં લોહરીનો તહેવાર ઉજવાય છે. લોહરીનાં દિવસે પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં જાહેર રજા હોય છે. શિયાળાનો અંત અને ઉનાળા પહેલાંની મોસમ એટલે લોહરી. સામાન્ય રીતે તે 13 જાન્યુઆરીનાં રોજ ઉજવવામાં આવે છે અને હિન્દુ કેલેન્ડર મુજબ મહા મહિનામાં આવે છે. રાત દરમિયાન અહીં હોળીની જેમ લાકડાં ભેગા કરીને સળગાવવામાં આવે છે અને સરસવનાં શાક અને મકાઇની રોટીની મિજબાની હોય છે.

ગુજરાતમાં તો પતંગોત્સનું ખાસ મહત્વ છે. આપણે ત્યાં ઉત્તરાયણનાં દિવસે ખાસ ગાયોને ઘૂઘરી ખવડાવવામાં આવે છે અને દાન-પુણ્ય કરવામાં આવે છે. સાથે પતંગો તો છે જ, જે ઉજવણીમાં ચાર ચાંદ લગાવે છે.