વિશ્વની મહાસત્તા એવા અમેરિકાનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એકવાર ચર્ચામાં છે. કારણકે 30મી માર્ચનાં રોજ ન્યૂયોર્કની મેનહટ્ટન કોર્ટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ક્રિમિનલ કેસ ચલાવવાની જાહેરાત કરી હતી. આ કેસ ભૂતપૂર્વ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે જોડાયેલો છે.
અમેરિકન ઇતિહાસમાં પ્રથમવાર કોઇ રાષ્ટ્રપતિ વિરુદ્ધ કેસ
ડોનાલ્ડ ટ્રમ્પ પર 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચૂપ રહેવા માટે પૈસા આપ્યા હતા. મહત્વનું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ પહેલીવાર 2006માં એક ગોલ્ફ ટુર્નામેન્ટ દરમિયાન મળ્યાં હતાં. ત્યારે ટ્રમ્પ રિયલ એસ્ટેટ બિઝનેસમેન હતા.
સ્ટોર્મીએ તેના પુસ્તક ફુલ ડિસ્ક્લોઝરમાં આ મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. સ્ટોર્મીએ તેના પુસ્તકમાં જણાવ્યું કે ટ્રમ્પે તેને પેન્ટહાઉસમાં ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. પુસ્તકમાં તેણે ટ્રમ્પ સાથેના સંબંધો અને તેના શારીરિક દેખાવનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પછી બંને વચ્ચે અફેર શરૂ થયું હતું.
જોકે, 2016ની ચૂંટણી વખતે સ્ટોર્મીને ચૂપ રહેવા માટે એક લાખ 30 હજાર ડોલર ચૂકવવામાં આવ્યા હતા. ટ્રમ્પનાં વકીલ માઇકલ કોહેને પણ આ વાતની પુષ્ટિ કરી હતી. આ સિવાય, 2021માં કેપિટોલ પર ટ્રમ્પનાં સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક પોલીસ ઓફિસર સહિત પાંચ જણનાં મૃત્યુ થયા હતાં. આ મામલે પણ ટ્રમ્પ વિરુદ્ધ કેસ ચાલી રહ્યા છે.
આ ઉપરાંત, અન્ય કેસોમાં જીન કેરોલ રેપ કેસ, ન્યૂયોર્ક સિવિલ ઇન્કવાયરી, જ્યોર્જિયા ક્રિમિનલ કેસ જેવાં અન્ય કેસો પણ હાલ ટ્રમ્પની મુશ્કેલી વધારી રહ્યા છે.