- છેલ્લાં ત્રણ દિવસમાં કોરોના કેસમાં આવેલા એકદમ ઉછાળાનાં પરિણામો
- વાઇબ્રન્ટ સમિટ બાદ ફ્લાવર શો અને કાઇટ ફેસ્ટિવલ પણ રદ
અમદાવાદ: ગુજરાત સરકારે સમયસર પગલાં ભરવાનું શરૂ કર્યુ હોવાનાં એંધાણ સ્પષ્ટ થઇ રહ્યાં છે. આજરોજ વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ કર્યા બાદ હવે અમદાવાદમાં યોજાનાર ફ્લાવર શો અને કાઇટ ફેસ્ટિવલ પણ રદ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાનાં કેસ 1000થી સીધા 3000ને પાર થઇ જતાં સરકાર ચેતી છે.
શું ગુજરાતમાં આવશે લોકડાઉન?
ગતરોજ અમદાવાદમાં જાહેર બસ સેવામાં પણ 50% કેપેસિટી સાથે પેસેન્જર ભરવાનો આદેશ અપાયો હતો. આ પહેલાં અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાયેલ સંત સંમેલન કાર્યક્રમમાં ભાગ લેનાર ભાજપનાં 40થી વધુ નેતાઓ પોઝિટિવ આવ્યા છે, ત્યારે સરકારે આ ઘટના પરથી બોધપાઠ લીધો હોવાનું દેખાઇ રહ્યું છે. મહત્વનું છે કે, સંત સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા સાધુ-સંતોને ભોજન પીરસવામાં આવ્યું હતું.
સંત સંમેલનમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ-પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
અમદાવાદમાં પણ કોરોના કેસની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. જૂન મહિના પછી પ્રથમવાર અમદાવાદમાં કેસની સંખ્યા 1600ને પાર થવા પામી છે, જ્યારે કન્ટેઇનમેન્ટ ઝોનનો આંકડો પણ વધતો જાય છે.