કમ્યુનિકેશનના સમયમાં આપણે ત્યાં ડેઝ સેલિબ્રેટ કરવાનો વ્યાપ વધ્યો છે. આ ડેઝ સેલિબ્રેશનને કારણે લોકો સાથે સરળ રીતે વ્યક્ત થવાય છે. સમયની અછત હોવા છતાં પણ ડેઝ – ફેસ્ટીવલ્સ આવું બધું આવે એટલે આપણે સૌ એક્સાઈટેડ થઇ જઈએ છીએ. એવા ઘણા બધા તહેવારો અને દિવસો છે, જે બધાને લાગુ નથી પડતા હોતા પણ અમુક ખાસ દિવસો એવા પણ હોય છે કે જે દુનિયામાં ગમે ત્યાં તમે કેમ ના વસતા હોવ પણ તમને લાગુ પડે જ…!
” એકવાર બાદશાહ અકબરના દરબારમાં એક વ્યક્તિ આવ્યો. જે અનેક ભાષાઓમાં પારંગત હતો. તેણે બાદશાહને કહ્યું કે; મહારાજ હું ઘણી બધી ભાષાઓ જાણુ છું. તમે મને તમારા મંત્રીગણમાં જગ્યા આપો તો હું તમારી ઘણી સેવા કરી શકુ છું. આ સાંભળી બાદશાહે તેની પરીક્ષા કરવાનું વિચાર્યું. અકબરનાં દરબારમાં અલગ અલગ પ્રાંતના મંત્રીઓ હતાં. તેમણે તેમના મંત્રીઓને તે વ્યક્તિ સાથે અલગ અલગ ભાષાઓમાં વાત કરીને એની માતૃભાષા જાણવાનું કહ્યું. દરેકે વાત કરી પરંતુ કોઈ એની માતૃભાષા જાણી શક્યું નહિ. ત્યારે તે વ્યક્તિએ અકબરના દરબારમાં કહ્યું, તમારા દરબારના વ્યક્તિઓની તો હું ખૂબ પ્રશંસા સાંભળતો હતો. પરંતુ શં અહીં કોઈ જ નથી જે મારી સાચી ભાષા કહી શકે? બાદશાહે બીરબલની સામે જોયું. બીરબલે એ ભાષાવિદ્દને કહ્યું; “તમે આજે થાકી ગયા હશો આરામ કરો. હું આપને કાલે જવાબ આપીશ.
રાત્રે જયારે મહેલમાં બધા ઘસઘસાટ સૂતાં હતાં ત્યારે બીરબલ કાળો કામળો ઓઢીને, એ વ્યક્તિના રૂમમાં ગયો. બીરબલે કાળો કામળો ઓઢીને જુદા જુદા અવાજો કર્યા. એ ભાષાવિદ્દ ઉઠી ગયો અને અંધારામાં કાળો કામળો ઓઢેલા બીરબલને જોઇને ડરી ગયો. એના મોં માંથી ઉડિયા ભાષામાં આ શબ્દો નીકળ્યા. “હે ભગવાન જગ્ગનાથ મને બચાવો, ભૂતે મારી પર હુમલો કર્યો છે” એની બૂમથી બાદશાહ મંત્રીગણ બધા આવી ગયા. દરેકે આ સાંભળ્યું. તેની બૂમથી બીરબલે કામળો ફેંકી દીધો અને રૂમમાં અજવાળું કર્યું ને કહ્યું; તમારી માતૃભાષા ઉડિયા છે. ત્યારે એણે હા કહ્યી. બીરબલે કહ્યું કે, કોઈ ગમે તેટલા ડરમાં હોય ત્યારે તેના મોંમાંથી જે ભાષામાં શબ્દો નીકળે એ જ તેની માતૃભાષા. ”
આજે વિશ્વ માતૃભાષા દિવસ છે. આપણા કવિ ઉમાશંકર જોશી માતૃભાષાને વંદન કરતા કહે છે :
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.
મને હજી યાદ છે; માસ કમ્યુનિકેશન જર્નાલીઝમનાં વર્ગો લેવા ઘણા બધા વિઝીટીંગ ફેકલ્ટીઝ આવતા હતા. એમાં મને બ્લોગ્સ અને એડવર્ડટીઝમેન્ટ આ બે કલાસીસ બહુ યાદ રહી ગયા છે. કેમ કે ઉર્વીશ કોઠારી સર બ્લોગ્સ વિષે ભણાવવા આવ્યા, ત્યારે તેમણે કહેલું કે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષા વાળા વિદ્યાર્થીઓ અહીં છે ત્યારે ઉર્વીશ સરે કહેલું, જે હિન્દી જાણે છે એ ગુજરાતી પણ સમજતા જ હોય. હું ગુજરાતી છું એટલે પહેલા તો હું લેક્ચર ગુજરાતીમાં જ લઇશ. જેમાં બધા જ બેસી શકશે અને પછી જેમને ફક્ત અંગ્રેજી આવડે છે એમના માટે ફરીથી ભણાવીશ. પરંતુ ગુજરાતીના વિદ્યાર્થીઓને તો હું ગુજરાતીમાં ભણાવીશ.
જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યએ પણ એડવર્ડટીઝમેન્ટ વિષે અમને ગુજરાતીમાં જ ભણાવેલું. એમણે કહેલું, તમે જીવનમાં ઘણી બધી ભાષા કેમ નાં શીખી જાઓ, ગમે તેટલા મોર્ડન થઇ જાઓ, ક્રિએટીવ વર્ક કરો પણ આ બધા માટે વિચારો તો તમને તમારી માતૃભાષામાં જ આવે. કશું પણ કામ તમારે કોઈ પણ ભાષામાં કેમ ના કરવાનું હોય, તોય તે વિષેનું પહેલું લખાણ કે વિચાર તો તમે તમારી ભાષામાં જ કરશો. માતૃભાષા વિષે પન્ના નાયક કહે છે;
આપણને જે ભાષામાં સપનાં આવે
એ આપણી માતૃભાષા.
હજી આ જ માતૃભાષાને લઈને બીજો પ્રસંગ યાદ આવે છે. દર વર્ષે જે ગુજરાતી લિટરેચર ફેસ્ટીવલ યોજાતો હતો, તેમાં અલગ અલગ વક્તવ્યો રોજ થતાં. એમાં એક દિવસ લેખિકા કાજલ ઓઝા વૈદ્ય અને તેમની સાથે બીજા બે લેખકો પણ હાજર હતાં, તેમાં કોઈએ ઓડિયન્સમાંથી કાજલબહેનને પૂછેલું કે; તમને શું લાગે છે? શું ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષાના પુસ્તકો આ બધું નાશ પામવાને આરે છે? ત્યારે કાજલબેને ખૂબ જ સરસ જવાબ આપેલો કે તમે જ જોઇલો ગુજરાતી લિટરેચર ફેસ્ટીવલનાં ગુજરાતી સાહિત્યનાં આજના વક્તાઓને સાંભળવા આટલા બધા લોકો છે અને એમાં પણ ઘણા બધા યંગસ્ટર્સ છે. તમારી સામે જ જવાબ છે.
આ વાત ફક્ત કહેવાની નથી પણ આપણી માટેનું એક ગર્વ છે. માતૃભાષા માટે જ અમારી સ્કૂલમાં એટલે કે શેઠ સી એન વિદ્યાલયમાં એક સરસ નિયમ હતો અને છે કે; તમારા બાળકનું પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ મળવું જોઈએ એટલે ત્યાં હંમેશા એવો આગ્રહ રહે છે કે બાળકને કેજી વનથી ધોરણ 4 સુધીનો અભ્યાસ તો માતૃભાષા ગુજરાતીમાં જ મળશે ત્યાર બાદ ધોરણ 5 થી તે અંગ્રેજી માધ્મમમાં ભણી શકશે. હું તો કહું છું દરેક બાળકને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ તો તેની માતૃભાષામાં જ આપવું જોઈએ.
હમણાં થોડા દિવસ પહેલા જ આરજે દેવકીએ ખૂબ સરસ વિડીયો તેમના ઘnstagram હેન્ડલ પર મૂક્યો હતો, જેમાં વાત રેડિયો વિષેની જ હતી પણ એમણે બે વાક્યો બહુ જ સરસ કહ્યા હતા, જે ઇન જનરલ પણ એટલા લાગુ પડે છે. કે; “જ્યાં સુધી સાંભળનાર છે ત્યાં સુધી ત્યાં સુધી રેડિયો જીવશે.” એ જ રીતે ગુજરાતી ભાષા બોલનાર, લખનાર, એ જ રીતે ગુજરાતી ભાષા સાંભળનાર પછી એ રેડિયો હોય કે ટીવી પર, એમ જ આ ભાષા વાંચનાર છે ત્યાં સુધી આપણી ભાષા પણ જીવંત છે.
આજે વિશ્વ માતૃભાષા દિવસ. માતૃભાષાને બચાવવા અને ટકાવવા કેટકેટલાય આયામો વિશ્વભરમાં ચાલે છે. આ આયામો એટલા માટે ચાલે છે કે કોઇક ભાષા ભૂલાઇ ગઇ છે. વિશ્વભરમાં ઘણી બધી એવી ભાષાઓ છે જેનાં જાણકાર માત્ર પાંચ-સાત કુટુંબો હશે. આવી ભાષા જો કોઇ અન્ય ભાષાના ચલણને કારણે ભૂલાઇ જાય તો એ કુટુંબની ઓળખ ભૂલાઇ જશે. આજે વિશ્વ માતૃભાષા દિને મેં આ વાતો એટલા માટે કહી કે ગુજરાતીપણું જો આપણામાં જીવંત હોય તો એને જતાવવું પણ જોઇએ.
- હેમાંગી શ્રીમાળી
( લેખિકા જાણીતા રેડીઓમાં કોપીરાઇટર તરીકે કાર્યરત છે )