આજ રોજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના જામીન અરજી પર ગાંધીનગર કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. વિદ્યાર્થી નેતાના જામીનની આજે સુનાવણી હતી, જે આજરોજ મંજૂર થયા છે.
છેલ્લાં થોડા દિવસથી યુવરાજ જેલમાં બંધ હતા. મહત્વનું છે કે, થોડાં સમય પહેલાં ગાંધીનગરમાં પોલીસ સ્ટેશનની અંદર વિદ્યાસહાયકોને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો અને ત્યારબાદ એક પોલીસકર્મી પર ગાડી ચડાવી દેવાનો આરોપ લાગ્યો હતો.
કેટલાક કેમેરાના ફૂટેજમાં આ પ્રકારના પુરાવો સામે આવ્યા હતા અને આ પ્રકારે યુવરાજસિંહ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને ધરપકડ કરવામાં આવી હતી.
યુવરાજસિંહ જાડેજા દ્વારા આજે જામીન અરજી કરવામાં આવી હતી ચાર્જશીટ ફાઈલ ના થાય ત્યાં સુધી આ જામીન અરજી કરવામાં આવી હતી. ગાંધીનગરની અંદર પ્રવેશ નહીં મળે તે પ્રકારના શરતી જામીન આપવામાં આવ્યા છે. આ મહત્વપૂર્ણ જાણકારી અત્યારે સામે આવી છે. ચાર્જશીટ જ્યાં સુધી ફાઈલ નહીં થાય ત્યાં સુધી તેઓ ગાંધીનગરની અંદર પ્રવેશ નહીં કરી શકે.
હાલ વિદ્યાર્થી યુવા નેતા અમદાવાદ સેન્ટ્રલ જેલમાં છે. આજે ગાંધીનગર કોર્ટમાં યુવરાજસિંહ જાડેજાની જામીન અરજી ફાઈલ કરવામાં આવી હતી. જેથી તેમને જામીનની પ્રક્રિયા પૂર્ણ થતાં જામીન પર છોડવામાં આવશે.
યુવરાજ સિંહના કેસ અંગેનો સમગ્ર મામલો
સમગ્ર મામલો કંઈક એવી રીતે બન્યો હતો કે જેમાં વિદ્યા સહાયકોની બહેનો દ્વારા સચિવાલય ખાતે વિરોધ પ્રદર્શન કરી રહી હતી. આગામી સમયમાં નવી ભરતીઓ કરવા અને પ્રવાસી શિક્ષકોની ભરતી દૂર કરવા મામલે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. જેમાં આ બહેનોને ડીટેઈન કરી પોલીસ હેડ ક્વાર્ટર ગાંધીનગર પોલીસ દ્વારા લઈ જવામાં આવી હતી, જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પહોંચી ગયા હતા. ત્યાં આવીને તેમણે ઉશ્કેરણીજનક ભાષણ શરૂ કર્યુ હતું અને પોલીસે આ બાબતે સમજાવતા પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું.