વિદ્યાર્થીનેતા તરીકે પ્રખ્યાત થયેલાં આપનાં યુવા નેતા અને એક્ટિવિસ્ટ યુવરાજસિંહ જાડેજા આજરોજ ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસ સમક્ષ હાજર થયાં છે. આ પહેલાં પોલીસે તેમને 20મી તારીખે હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું, પરંતુ યુવરાજસિંહે તબિયત લથડવાનું કારણ આપ્યું હતું, તેથી પોલીસે બીજું સમન્સ પાઠવ્યું.
મહત્વનું છે કે, આજરોજ હાજર થવા જઇ રહેલાં યુવરાજસિંહે મીડિયાને જણાવ્યું હતું કે, “આજે હું બંધ કવરમાં 30 નામ આપવાનો છું, જેમાં પૂર્વ શિક્ષણમંત્રી અને વર્તમાન મંત્રી પણ છે. મારું સમન્સ નીકળે તો જીતુ વાધાણીનું પણ સમન્સ નીકળવું જોઇએ.”
યોજી પત્રકાર પરિષદ
પોલીસ સમક્ષ હાજર થવા પહેલાં ભાવનગર SP કચેરી બહાર યુવરાજસિંહએ પત્રકાર પરિષદ યોજીને અનેક મંત્રી, પૂર્વ શિક્ષણ મંત્રીઓના નામો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, કૌભાંડમાં મોટા માથાઓ મને દબાવોના પ્રયાસ કરે છે. ભુતકાળમાં પણ પોતાની પાર્ટીમાં આવવાના પ્રલોભનો આપ્યા છે. આ કૌંભાંડ 2011થી નહીં 2004થી ચાલે છે. કેટલાક તો ગેજેટેડ ઓફિસર બની ગયા છે. એવા એકેયને સમન્સ પાઠવ્યું નથી.
આ પહેલાં ગુરુવારનાં રોજ ડમીકાંડમાં પોલીસે બીજા કેટલાંક આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં વિપુલ અગ્રાવત, ભાર્ગવ બારૈયા અને રમેશ બારૈયાની ધરપકડ કરી હતી.
ગુજરાતનાં ઘણાં યુવાનો અને ગ્રુપ્સ પણ યુવરાજસિંહનાં સપોર્ટમાં આવ્યા છે, ત્યારે Twitter પર હાલમાં #YuvrajSinh_is_Future – નામક ટ્રેન્ડ પણ વાયરલ છે.